M.C.Modi High School
M.C.Modi Highschool | Aboutus

શાળા વિશે

શાળાની સ્થાપના

એમ.સી.મોદી હાઈસ્કૂલ તથા ગુલાબબેન મોદી પ્રાથમિક શાળા

વર્ષ 1961 શિયાળાની વહેલી સવારે ખૂબજ ઠંડીમાં નાનકડા ફુલ જેવા બાળકોને નિશાળે જતાં, મુરબ્બી શેઠશ્રી મણિલાલ મોદીએ જોયા. તેમનું હદય કંપી ઊઠયું. તપાસ કરતાં જણાયું કે દેવગઢ બારીઆ નગરમાં એક માત્ર એસ.આર.હાઈસ્કૂલ જ છે. દર વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં વધારો થતાં, વર્ગમાં બેસવાની જગ્યા અને જરૂરી ઓરડાં ન હોવાથી, શાળા બે પાળીમાં ચાલે છે. તેથી નાના બાળકોને વહેલી સવારે ઠંડીમાં નિશાળમાં જવું પડે છે. મણિભાઈને પ્રભુપ્રેરણા થઈ. “નવી હાઈસ્કૂલ બનાવો” ગામના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે. વહેલી સવારે ઠંડીમાં ધ્રુજવું ન પડે.

પ્રસ્તાવ રજૂ થયો, ઓચ્છવલાલ ભૂરાશેઠ, કાંતિભાઈ ચુનીલાલ, બાબુભાઈ તેમજ અન્ય શુભેચ્છકોએ સ્ટેશન રોડ પર આવેલ દશાનીમા જ્ઞાતિ બંધુઓની જમીનના ઓગણીસ પ્લોટ મૂળ કિંમતે માત્ર રૂપિયા 1451/-માં જ વેચાણ આપવાનું સમજાવ્યું. પ્લોટ ખરીદાયા.ખાતમુહૂર્ત થયું. કડીયા,સુથાર વગેરે મણિભાઈ ગોધરાથી લઈ આવ્યા. પોતે આર્કિટેકટ હોવાથી જાતેજ સુપરવીઝન કર્યુ. માત્ર સાડાચાર મહિનામાં ત્રણમાળની એમ.સી.મોદી હાઈસ્કૂલ બની ગઈ. ધો.8,9,10 ની માન્યતા શિક્ષણ વિભાગે આપી દીધી. પરંતું ધોરણ - 11ના વર્ગની પરવાનગી મળી નહિ. સ્થાનિક અને બહારગામના સામાજિક કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નોથી ધો.11ની પરવાનગી પણ પહેલી જાન્યુઆરી 1963માં મળી. પણ આકરી શરત સાથે કે બે વર્ષ સુધી ગ્રાન્ટ આપવામાં નહિ આવે. મણિભાઈએ ખૂબ આર્થિક નુકસાન વેઠી વિદ્યાર્થીઓ અને ગામના હિત માટે આ શરત સ્વીકારી લીધી.

આ અરસામાં જ મણિભાઈને ધર્મપત્ની ગુલાબબહેને મજાકમં કહ્યું ‘તમે તમારું નામ રાખ્યું, મારુ શું કર્યુ? સુંદર પ્રશ્રના ઉત્તર રૂપે મણિભાઈએ બીજાજ વર્ષે પ્રાથમિક શાળાનું મકાન હાઈસ્કૂલની સાથે જ બનાવ્યું’ ‘ગુલાબબેન મોદી સ્કૂલ’ નામ આપ્યું.

ચંદ્રકાન્તભાઈ કડકીયાએ શરૂઆતમાં બંને સ્કૂલનું સુદર રીતે સંચાલન કર્યુ.

શ્રી શાંતિકુમાર મોદી તથા ડો.હેમલતાબ્હેન પટેલ હાલ ટ્રસ્ટી તરીકે છે. મુરબ્બી શ્રી રમેશભાઈ પરીખ તથા શ્રી રમેશભાઈ બક્ષી સ્થાનિક રીતે શાળાનું ધ્યાન રાખે છે. આ શાળામાં ધોરણ 1 થી 4 ના એક એક વર્ગ જયારે ધો. 5 થી 12 ના બબ્બે એમ કુલ 20 વર્ગ છે.

પુર્વ આચાર્યનું ઋણ સ્વીકાર છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,983